ખેડા જિલ્લામાં 99 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી 73.54 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થવાના સમયે સાંજે 6 વાગ્યા સુધીમાં આ મતદાનનો આંક અંદાજીત 78 ટકા જેટલો થવાની શકયતા છે. જિલ્લાની કુલ 99 પૈકી 84 ગ્રા.પંની ચૂંટણીનું મતદાન 74.37 ટકા અને 15 ગ્રા.પંની પેટા ચૂંટણીનું મતદાન 62.70 ટકા નોંધાયું હતું. ઉપરોકત તમામ ગ્રા.પંના સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2,68,346 મતદારો પૈકી 1,97,343 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. મતદાન સમય દરમિયાન મેઘરાજાએ વિરામ લીધો હતો. 319 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયાના એક કલાક બાદ મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. જેમાં મહિલાઓ પણ મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળી હતી. 99 ગ્રામ પંચાયતોના 894 ઉમેદવારોના ભાવી મતપેટીઓમાં સીલ થયા હતા. સીલ મતપેટીઓને જે તે તાલુકામાં નક્કી કરેલ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મતદાનની તા. 25મીએ મતગણતરી જે તે તાલુકા મથકોએ યોજાશે.


ખેડા જિલ્લામાં રવિવારે 84 ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણીનું મતદાન અને 15 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં ચૂંટણીતંત્ર, પોલીસ તંત્ર અને ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ હાશકારો અનુભવ્યો હતો. રવિવારે ઉપરોકત ગ્રામ પંચાયતોમાં સવારે 7 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું હતું. આ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.મત સરપંચપદની બેઠકોના મતદાન માટે ગુલાબી કલરનું બેલેટ અને વોર્ડના સભ્યપદ બેઠકોના મતદાન માટે સફેદ કલરનું બેલેટ પેપર હતું. મતદાન શરૂ થતાંની સાથે જ દરેક બુથો ઉપર મોટાભાગે ઉમેદવારો અને તેમના પરિવારજનો અને સમર્થકો મતદાન કરવા ઉમટી પડયા હતા.સવારે 7 થી 9 વાગ્યામાં સામાન્ય ચૂંટણીમાં 9.95 ટકા અને પેટા ચૂંટણીમાં 8.20 ટકા મતદાન નોંધાયું હતું. બે દિવસથી વરસી રહેલા મેઘરાજાએ ચૂંટણીના મતદાનના દિવસે રવિવાર સવારથી વિરામ લીધેલ હોવાથી બપોર પછી મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

બપોર પછી મોટાભાગના મતદાન બુથો ઉપર મતદારોની લાંબી કતારો દેખાઇ હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીમાં 152935 મતદારોએ મતદાન કરતાં 61.74 ટકા મતદાન નોંધાયું હતું. જયારે પેટા ચૂંટણીમાં 11341 મતદારોએ મતદાન કરતાં 54.13 ટકા મતદાન નોંધાયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીમાં કુલ મતદારો 2,47,396 પૈકી 184218 મતદારો મતદાન કરતાં 74.37ટકા નોંધાયું છે. અને પેટા ચૂંટણીમાં કુલ 20950 મતદારો પૈકી 13135મતદારોએ મતદાન કરતાં 62.70ટકા નોંધાયું છે. સાંજે 6 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે મતદાન મથકો ઉપર મતદાતાઓની લાઇનમાં ઉભા હતા તે તમામ મતદાતાઓએ મતદાન કર્યા બાદ મતપેટીઓને સીલ કરી હતી. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રિસાઇડીંગ આફિસરે ઉમેદવારોની હાજરીમાં તેઓની સહી સાથે મતપેટીઓની સીલ માર્યું હતું. આ સીલ મારેલી મતપેટીઓને પોલીસ બંદોબસ્ત સાથે વાહનમાં લઇને જે તે તાલુકા મથકોના સ્ટ્રોંગરૂમમાં સીલબંધ મતપેટીઆ મૂકી દેવામાં આવી હતી.

આ મતપેટીઓમાં 84 ગ્રામ પંચાયતોના સરપંચ બેઠકોના 317 ઉમેદવારો અને વોર્ડ સભ્ય બેઠકોના 538 ઉમેદવારોના ભાવિ સીલ થયા છે અને 15 ગ્રા.પંની પેટા ચૂંટણીમાં 8 સરપંચ પદ માટેના 19 ઉમેદવારો અને વોર્ડ સભ્યના 39 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા છે. તા. 25 મીનારોજ મતગણતરીના દિવસે ઉપરોકત ઉમેદવારોનું મતપેટીઓ માંથી નસીબ ખુલશે.


  • Follow us on: