ખેડામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ ખેડામાં મધ્યમથી ભારે વરસાદનું જોર રહેશે. ખેડા જિલ્લામાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર રહ્યું. નડિયાદમાં ભારે પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મૂકાયા. ઘરની બહાર જવું કે અંદર રહેવું તે લોકો માટે પ્રશ્નો બન્યો.
નડીયાદમાં ઘૂંટણસમાં પાણી ભરાયા
રાજ્યમાં ચોમાસું બેઠું છે. બોટાદા, ભાવનગર અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ગતરોજથી ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડામાં નડિયાદના ઉત્તરસંડા, પીપલગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે ગુતાલ, પીજ, ડભાણ, ભૂમેલમાં ભારે વરસાદ જોવા મળ્યો. સલુણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો.
વરસાદના કારણે નડિયાદમાં ઠેર ઠેર પાણી ભરાતા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. નડિયાદમાં રબારીવાડ, વીકેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી આફતમાં વિસ્તારો જળમગ્ન થતા નોકરિયાતો અને શાળાના બાળકો મુશ્કેલીમાં મૂકાયા.
વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી
નડિયાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈને મહાનગરપાલિકાએ આ સમસ્યાનો ઉકેલ લાવવા વરસાદી કાંસનું રીડેવલપમેન્ટ કરવાનું આયોજન હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટ અમલમાં આવતા થોડો સમય લાગશે પરંતુ આ પ્રોજેકટ અતંર્ગત વરસાદી પાણી સીધું નદીમાં જાય માટે કાંસમાં ઠેર-ઠેર સફાઈની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના 25 તાલુકામાં બે ઇંચથી વધુ, 66 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 93 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 જિલ્લાના કુલ 221 તાલુકામાં સરેરાશ 1.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.આજે 17 જૂન 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 8 ટકા જેટલો નોંધાયો છે.










