ખેડા જિલ્લાના રાજકારણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાજપના નેતાના પરિવારે પોતાના જ પક્ષના ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા જીગ્નેશ ડાભીએ કોઈ ઝેરી પદાર્થ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જીગ્નેશ ડાભીને તાત્કાલિક સારવાર અર્થે કઠલાલની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. 


ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

જીગ્નેશ ડાભીના પત્ની હાલ કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય છે. જ્યારે તેમના પિતા પ્રવીણ ડાભી કઠલાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.આ ઘટનાને પગલે જીજ્ઞેશના પિતા અને કઠલાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણ ડાભીએ કપડવંજના ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રવીણ ડાભીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય રાજેશ ઝાલાના પીએ યશરાજે મારા દીકરા જીગ્નેશને ફોસલાવીને એક ઓડિયો રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ કપડવંજના ધારાસભ્યએ આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ખેડા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો

તેમણે આક્ષેપ કરતાં વધુમાં ઉમેર્યું કે,આ વાયરલ ઓડિયો પરિવારને તોડી પાડે અને મુશ્કેલીમાં મૂકે તેવો હોવાથી જીગ્નેશે આ આત્યંતિક પગલું ભર્યું છે. હોસ્પિટલમાં હાલ તેમના દીકરાની હાલત ખૂબ જ ચિંતાજનક છે. જો તેમના દીકરાને કશું પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજની રહેશે. ભાજપના જ ધારાસભ્યના કારણે ભાજપના અગ્રણી નેતાના દીકરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


આ પણ વાંચોઃ Kachchh News : ઇબોલા પ્રભાવિત કોગોમાં ફસાયેલા ભુજના પ્રોફેસરની વતન વાપસીનો માર્ગ મોકળો


  • Follow us on: