મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગઠામણ ગામમાં આજે બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે કોઈક બાબતે ઉગ્ર અથડામણ થતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ જૂથ અથડામણમાં બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગામમાં કોઈ નજીવી બાબતને લઈને અલગ અલગ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જૂથ અથડામણને કારણે ગઠામણ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.


અલગ અલગ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસનો કાફલો તાત્કાલિક ગઠામણ ગામે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક દરમિયાનગીરી કરી અને સખત પગલાં લઈને મામલો થાળે પાડ્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે ગઠામણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

ગામના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસે શાંતિ જાળવવા માટે બંને જૂથના આગેવાનો સાથે વાતચીત પણ કરી છે. પોલીસે આ અથડામણ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અથડામણ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને કયા લોકો સામેલ હતા, તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે. ગામમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.


  • Follow us on: