મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છએ. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. જોકે ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વિજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
ખેરાલુ શહેરમાં ખોખરવાડા સંઘ, દેસાઈવાડા, તાલુકા સેવા સદન કચેરી રોડ, ઠાકોર વાસ અને ખાડિયા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. શહેર ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે. ગઠામણ, ચોટીયા, અંબાવાડા, ગોરીસણા, વઘવાડી, કુંડા, ડભોડા, મલેકપુર, હિરવાણી, બળાદ, ફતેપુરા, અને અરઠી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી
આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. પાકને આ વરસાદથી નવજીવન મળશે તેવી આશા બંધાઈ છે. આ અણધાર્યા વરસાદથી શહેરમાં થોડી અગવડ ઊભી થઈ છે. પરંતુ ખેતી માટે તે અત્યંત જરૂરી હોવાથી સમગ્ર પંથક માટે આ વરસાદ સકારાત્મક ગણવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા ભરાયેલા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.