ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા જામનગર જિલ્લામાં આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક (કાળી ડોક ઢોંક) પક્ષી વિશે વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

2024થી 2025 દરમિયાન દરમિયાન કરવામાં આવ્યું સંશોધન 

આ અભ્યાસના તારણો પીઅર-રિવ્યુડ આંતરરાષ્ટ્રીય જર્નલ 'Journal of Threatened Taxa' માં પ્રકાશિત થયા છે. આ સંશોધન જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ, 2022 હેઠળ અનુસૂચિ (2) માં રક્ષિત એવા આ વિશિષ્ટ જળપક્ષીની વસ્તી, પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર અને માળાની ખાસિયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.


Management of Gujarat Forest Department Conservation


સંશોધન ટીમ અને નેતૃત્વના પ્રતિભાવો

આ મહત્ત્વપૂર્ણ સંશોધન ગીર ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકો સંદીપ મુંજપરા, દિવ્યરાજસિંહ જાડેજા, નિતા સોલંકી, અમિતકુમાર નાયક અને બી.પી. પતી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સંશોધન ટીમને જણાવ્યું કે આ અભ્યાસે કાળી ડોક ઢોંક પક્ષીના વર્તન અને પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે, જેના આધાર પર સંરક્ષણ માટે વધુ અસરકારક પગલાં લઈ શકાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કુદરતી વારસાના સંરક્ષણ માટે સકારાત્મક પગલાં ભર્યા છે.

પ્રજનન સફળતા અને માળા બાંધવાની પસંદગી

નિયામક બી.પી. પતી (IFS) ના જણાવ્યા મુજબ, સંશોધકોએ અભયારણ્યના આઠ ઝોનમાં ફેલાયેલા 48 સેમ્પલિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને 320 કલાકથી વધુના અવલોકનના આંકડા એકત્રિત કર્યા હતા. અભ્યાસ હેઠળના ચાર સક્રિય માળાઓમાં દરેક જોડીએ સફળતાપૂર્વક બે-બે બચ્ચાં ઉછેર્યાં હતાં, જેના પરિણામે કુલ આઠ બચ્ચાં નોંધાયાં હતાં. સામાન્ય રીતે આ પક્ષી મોટા કદના સ્થાનિક વૃક્ષો પર માળા બાંધે છે, પરંતુ ખીજડિયામાં ચારેય માળા ગાંડા બાવળના વૃક્ષો પર જમીનથી 3 થી 4.5 મીટરની ઊંચાઈએ બાંધેલા જોવા મળ્યા હતા.


Management of Gujarat Forest Department Conservation


આવાસની અનુકૂળતા અને પિતૃત્વની જવાબદારી

અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંહ અને નાયબ નિયામક અમિતકુમાર નાયકે જણાવ્યું કે બ્લેક-નેક્ડ સ્ટોર્કના સફળ પ્રજનન માટે છીછરા પાણી (0.3 થી 0.7 મીટર), જળસપાટી પરની વનસ્પતિ અને ઓછા માનવીય વિક્ષેપવાળા વિસ્તારો મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક ડૉ. સંદીપ મુંજપરાના જણાવ્યા અનુસાર, આ પક્ષીઓમાં માતા-પિતા તરીકેની અદભૂત જવાબદારી જોવા મળી છે. 89 નિરીક્ષણો દરમિયાન પુખ્ત સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહ્યા હતા. શિકાર થવાની કે માળો ત્યજી દેવાની એકપણ ઘટના ન બનતાં 100% ફ્લેજિંગ સફળતા દર મળ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો