અમદાવાદ શહેરમાં તહેવારો દરમિયાન પોતાની ફરજ અડગભાવે બજાવનાર પોલીસ કર્મચારીઓના સમર્પણને બિરદાવવા માટે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું છે. કેકે જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કૈલાશ કાબરા દ્વારા અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટને પોલીસ કર્મચારીઓના કલ્યાણ અને સુખાકારી માટે રૂ. 51 લાખનું ઉદાર યોગદાન આપવામાં આવ્યું છે. આ પહેલથી પોલીસ વિભાગમાં ઉત્સાહની સાથે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
ટ્રાફિક જવાનોની મહેનતથી પ્રભાવિત થયા કૈલાશ કાબરા
નવરાત્રિના પવિત્ર મહાપર્વ દરમિયાન જ્યારે લાખો લોકો ગરબાના ઉત્સવમાં મગ્ન હોય છે, ત્યારે અમદાવાદના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ આખી રાત અને વહેલી સવાર સુધી રસ્તાઓ પર ઊભા રહીને વાહનોની અવરજવર અને ભીડનું કુશળતાપૂર્વક સંચાલન કરે છે. લોકો સુરક્ષિત રીતે તહેવાર માણી શકે તે માટેની તેમની આ નિઃસ્વાર્થ અને અથાક કામગીરીથી ગહન રીતે પ્રભાવિત થઈને કૈલાશ કાબરાએ આ સહાય અર્પણ કરી છે, જે પોલીસ જવાનોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર પ્રયાસ છે.
