કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) અરુણાબેન નટુભાઈ જાદવની હત્યા થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અરુણાબેનની હત્યા તેના જ બોયફ્રેન્ડ દિલીપ ડાંગચીયા દ્વારા ગળું દબાવીને કરવામાં આવી છે.
મહિલા ASI ની હત્યા તેના જ બોયફ્રેન્ડે કરી
મળતી જાણકારી અનુસાર, અરુણાબેન જાદવ અને દિલીપ ડાંગચીયા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત રાત્રે કોઈ કારણોસર બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ હતી, જે બાદ દિલીપે આવેશમાં આવીને અરુણાબેનનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આરોપી દિલીપ ડાંગચીયા મણિપુરમાં CRPF માં ફરજ બજાવે છે. હત્યા કર્યા બાદ આરોપી પોતે જ અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જયારે આરોપી દિલીપની અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ પ્રેમ સંબંધમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.









