કચ્છ જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરહદ ડેરી (કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.) દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તારીખ 1 નવેમ્બરથી આ નવો ભાવ વધારો લાગુ કરવામાં આવશે, જે પશુપાલકો માટે નવા વર્ષની ભેટ સમાન છે.


કચ્છના પશુપાલકો માટે ખુશીના સમાચાર

સરહદ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. 10 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના પગલે પશુપાલકોને હવે દૂધના પ્રતિ કિલો ફેટે રૂ. ૮૧૦ના બદલે રૂ. ૮૨૦ મળશે. આ નિર્ણયને કારણે પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.આ મહત્વનો નિર્ણય સરહદ ડેરીના સભાખંડ ખાતે યોજાયેલી દૂધ સંઘના નિયામક મંડળની અને મંડળીઓની સહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પશુપાલકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી અને રજૂઆત પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

આ બેઠકમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા સહિત જિલ્લાના અગ્રણીઓ અને ધારાસભ્યોએ પણ પશુપાલકોના હિતમાં દૂધના ભાવમાં વધારો કરવા માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું. ભાવ વધારાના આ નિર્ણયથી કચ્છના પશુપાલકોને દર મહિને આશરે રૂ. 1 કરોડ 25 લાખ વધુ મળશે, જ્યારે વાર્ષિક ધોરણે રૂ. 14 કરોડની વધારાની આવક થશે. સરહદ ડેરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રોત્સાહક નિર્ણયથી દૂધ સંપાદનના ક્ષેત્રમાં ડેરી નવો ઇતિહાસ રચશે અને પશુપાલકો વધુ સશક્ત બનશે.

  • Follow us on: