હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભુજ, રાપર અને આડેસર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેને કારણે કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


કચ્છના ભુજ, રાપર અને આડેસરમાં વરસાદ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે, જેના પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે. ખાસ કરીને વાવાઝોડાની સંભવિત ચેતવણીને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લેવાયા છે. કંડલા બંદર (દીન દયાલ પોર્ટ) પર ૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદરને દરિયાઈ તોફાનથી ખતરો છે. કચ્છના રાપર પંથકમાં વરસાદી ઝાપટાં પડવાથી ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને શિયાળુ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ માવઠું માથે આફત સમાન બન્યું છે.

કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું

દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાની ચેતવણીને કારણે સમગ્ર કચ્છ જિલ્લામાં એક પ્રકારનો ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ કુદરતનો આ અણધાર્યો ફેરફાર જનજીવન અને ખેતી માટે મોટો પડકાર બની રહ્યો છે.

  • Follow us on: