કચ્છની ધરતીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. માત્ર 7 વર્ષની નાની ઉંમરે યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજાએ પોતાની અસાધારણ બુદ્ધિમત્તા, ઝડપ અને સમર્પણથી, π (પાઈ)ના 200 અંકો ઝડપથી બોલીને વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે. આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ઘડી છે.
યુગવીરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી
યુગવીરસિંહ જાડેજા, ભુજનો એક સામાન્ય પરંતુ અસાધારણ બાળક, આજે વિશ્વભરમાં 'Fastest & Youngest Child' તરીકે ખ્યાતનામ બની ગયો છે. માત્ર 70 દિવસની સઘન તૈયારીમાં યુગવીરે ગણિતના જટીલ સ્થિરાંક πના 200 અંકો બંધ આંખે માત્ર 24 સેકન્ડમાં ઝડપથી બોલી બતાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન તેની એકાગ્રતા, શાંતચિત્ત અને આત્મવિશ્વાસે સૌ કોઈને વિચારતા કરી દીધા છે. યુગવીરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે અને તેનું નામ હવે વિશ્વના રેકોર્ડના સોનેરી પાને ચમકે છે. યુગવીરની આ અસાધારણ સફળતા પાછળ તેના માતા-પિતા, કોમલબા જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે.
પ્રેરણા અને અડગ વિશ્વાસે યુગવીરને આ અદ્ભુત ઉંચાઈઓ સુધી પહોંચાડ્યો
તેમણે યુગવીરને નાનપણથી જ શિસ્ત, સમર્પણ અને સતત પ્રોત્સાહન આપીને તેની પ્રતિભાને નિખારવામાં મદદ કરી, દરેક પગલે તેમનો સહયોગ, પ્રેરણા અને અડગ વિશ્વાસે યુગવીરને આ અદ્ભુત ઉંચાઈઓ સુધી પહોંચાડ્યો છે. આ અઘરો રેકોર્ડ કરવા માટે તેમણે યોગ પ્રશિક્ષકની પણ મદદ લેવામાં આવી હતી. એક સાથે 15થી 20 દિવસ સુધી સતત યોગની સાધના કરવામાં આવી અને તે પણ ઉપયોગી થઈ હતી. યુગવીરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત રેકોર્ડ નથી, પરંતુ કચ્છની પ્રગતિ, પ્રતિભા અને પ્રતિષ્ઠાનું જીવંત પ્રતીક છે. આજે સોશિયલ મીડિયા, ગૂગલ અને AI-આધારિત પ્લેટફોર્મ્સ પર યુગવીરનું નામ ગુંજી રહ્યું છે. આ પ્રતિભાઓ હવે વિશ્વના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ રહી છે.
જટીલ સંખ્યાના 200 અંકો બંધ આંખે યાદ રાખી અને ઝડપથી બોલી બતાવ્યા
યુગવીરે બતાવ્યું કે નાની ઉંમરે પણ મોટા સપના સાકાર કરી શકાય છે. π (પાઈ)એ ગણિતનો એક મહત્વપૂર્ણ સ્થિરાંક છે, જેનું મૂલ્ય આશરે 3.14159 છે. પાઈ એ એક અપરિમેય સંખ્યા છે, એટલે કે તેનું દશાંશ સ્વરૂપ અનંત સુધી ચાલે છે અને તેનો કોઈ નિશ્ચિત પુનરાવર્તન થતું નથી. આ સ્થિરાંકનો ઉપયોગ ગણિત, ભૌતિકશાસ્ત્ર, ઈજનેરી અને ખગોળશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે. યુગવીરે આ જટીલ સંખ્યાના 200 અંકો બંધ આંખે યાદ રાખી અને ઝડપથી બોલી બતાવ્યા, જે તેની અસાધારણ સ્મરણશક્તિ અને બુદ્ધિનો પરિચય આપે છે. માત્ર 7 વર્ષના યુગવીર આ સિદ્ધિ હાંસલ કરીને પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.









