અમદાવાદમાં રહેતા યુવાનને મિત્ર થકી સસ્તામાં ડોલર આપનાર ગેંગનો સંપર્ક થયો હતો. જેમાં રૂ. 10 લાખની સામે 18 હજાર ડોલરની ડીલ થઈ હતી. જેમાં ગઠીયાઓએ 10 લાખ લઈને ડોલર ન આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ ગત સપ્ટેમ્બરમાં લીંબડી પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસના 3 આરોપીને પોલીસે 2.72 લાખ રોકડા સાથે ઝડપી લીધા છે.


અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બાબુલાલ રાવ બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત તા. 28 જુલાઈના રોજ ધોળકા રહેતા તેમના મિત્ર ઘનશ્યામભાઈએ ડોલર બદલવાની વાત કરી હતી. જયારે તા. 31 જુલાઈના રોજ હરેશભાઈ રે. અલંગવાળાએ સુરેશભાઈને ડોલર બદલવા બાબતે ફોન કર્યો હતો. અને ડોલરનો ફોટો મંગાવ્યો હતો. ફોટો જોયા બાદ ડોલર ઓરીજનલ છે કે, નહી તે જોવા અને 2 ડોલર લેવા માટે તેઓ બરવાળા ગયા હતા. જેમાં 2 ડોલર લઈ હરેશભાઈને 1 હજાર રૂપીયા આપ્યા હતા. બાદમાં બન્ને ડોલર વટાવતા રૂપીયા 10 હજાર મળતા સુરેશભાઈને વિશ્વાસ બેઠો હતો. જયારે તા. 11-8-25ના રોજ લીંબડી ખાતે સુરેશભાઈ તેમના મિત્ર અલ્પેશભાઈને લઈને આવ્યા હતા. અને રાહુલ નામનો શખ્સ રૂપીયા 10 લાખ લઈને 18 હજાર ડોલર આપ્યા વગર ફરાર થઈ ગયો હતો. આ અંગે સુરેશભાઈએ તા. 4-9ના રોજ લીંબડી પોલીસ મથકે ધોળકાના ઘનશ્યામભાઈ, અલંગના હરેશભાઈ, પીપાવાવના દિનેશભાઈ અને રાહુલ નામના શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા અજયસિંહ ઝાલા, અશ્વીનભાઈ, ભરતભાઈ સહિતની ટીમે 3 આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં બોટાદના સમઢીયાળા ગામે રહેતા હરેશ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલીયા, સુરેશ બબાભાઈ શેખલીયા અને સુરેન્દ્રનગરના વડનગરમાં રહેતા રાજુ રવજીભાઈ સાથળીયાને રોકડા રૂ. 2.72 લાખ સાથે પકડી લેવાયા છે. આ ગુનામાં હજુ અન્ય આરોપીઓ ઝડપાય તેવી શકયતા છે.


  • Follow us on: