લીંબડીમાં વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપનો બનાવ વર્ષ 2020માં બન્યો હતો. બનાવના ફરાર આરોપીને એસઓજી ટીમે ભાવનગરમાંથી ઝડપી લઈ લીંબડી પોલીસના હવાલે કર્યો છે.
લીંબડીના રેલવે સ્ટેશન રોડ પરની આનંદપાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધા રેખાબેન ભુપતભાઈ બારોટ તા. 25-11-2020ના રોજ સાંજે પડોશી સાથે વોકીંગ કરવા નીકળ્યા હતા. જેમાં રેલવે સ્ટેશન સુધી વોકીંગ કરી તેઓ પરત ફરતા હતા. ત્યારે અંબેમાંના મંદિર પાસે પહોંચતા પાછળથી આવેલા એક શખ્સે તેમના ગળામાં રહેલ સોનાનો ચેન ઝુંટવી લીધો હતો. આ સમયે રેખાબેને દેકારો પણ કર્યો હતો. પરંતુ આસપાસ કોઈ હતુ નહી અને આ શખ્સ થોડે દુર ભાગીને જઈ આગળ બાઈક લઈને ઉભેલા શખ્સ સાથે ફરાર થઈ ગયો હતો. આ અંગે રેખાબેને રૂપીયા 30 હજારની કિંમતનો 2 તોલા સોનાના ચેનની ચીલઝડપ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવનો આરોપી ભાવનગરનો હોવાની માહીતી સુરેન્દ્રનગર એસઓજી ટીમને મળી હતી. આથી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના અમરકુમાર ગઢવી, મીત મુંજપરા સહિતનાઓએ ભાવનગર જિલ્લાના શીહોર તાલુકાના સણોસરા ગામના વતની પપ્પુ કમલભાઈ પટેલને ભાવનગર નીલમબાગ પોલીસ મથક હેઠળ આવતા વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી ઝડપી લઈ લીંબડી પોલીસના હવાલે કર્યો છે. આ શખ્સ સામે ભાવનગર જિલ્લાના બોરતળાવ પોલીસ મથકે 4, શીહોર અને નીલમબાગ પોલીસ મથકે 1-1 ચેન સ્નેચીંગનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યુ છે.










