વડોદરાના પાદરા નજીક મહી નદી પરનો પુલની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં જવાબદાર તંત્રવાહકોની ગંભીર બેદરકારી અને ગેરરીતિઓના ખેલની પોલ ખોલી નાખી છે. ત્યારે ગંભીરા બ્રીજ જેવી જ દુર્ઘટના લીંબડીના શિયાણીમાં ભોગાવો નદી પરના બ્રીજ પર પણ ઘટી શકે એવી પુરી સંભાવના હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
નળકાંઠાના 24 ગામડાઓને લીંબડી તાલુકા સાથે જોડતા શિયાણી ભોગાવો નદી પર હજુ છ મહિના પહેલા જ અંદાજે 17 કરોડના ખર્ચે બનેલા નવા બ્રીજનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ બ્રીજ ને ખુલ્લા મુક્યાના થોડા દિવસોમાં જ આ બ્રીજની રેલીંગની બાજુમાં સાઇડો અને રોડ પર પણ મસમોટા ગાબડા અને મોટી તિરાડો પડતા આ પુલની કામગીરીમાં આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર જાણે છાપરે ચડી પોકારી રહ્યો છે. પુલમાં તિરાડો પડતા આ પુલ ગમે ત્યારે બેસી જાય તેવી દહેશતથી ગામ લોકોએ જિલ્લા કલેકટર અને આ પુલનુ કામ કરનાર એજન્સીને ફોન દ્વારા જાણ કરવા છતાં સ્થિતિ જૈસે થેની રહેવા પામી છે. ત્યારે સ્થાનિક નાયબ કલેક્ટર કે મામલતદાર આ પુલની મુલાકાત લઇ પુલ બંધ કરાવી વહેલી તકે યોગ્ય રીતે રીપેરીંગ કામ હાથ નહીં ધરે તો લીંબડીના શિયાણી પુલ પર પણ ગંભીરા બ્રીજ જેવી જ દુર્ઘટના સર્જાય તો નવાઇ નહીં.










