ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરાયું છે. મહેસાણા જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ નોર્થ ગુજરાત રિજિયન યોજાશે. જેના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી 9, 10, ઓક્ટોબરના રોજ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ નોર્થ ગુજરાત રિજિયન યોજાશે. જેમાં ઉ.ગુજરાતના પાંચ જિલ્લાઓનો સમાવેશ છે. આ કોન્ફરન્સમાં B2B અને B2G જેવી મહત્વની બેઠકો યોજાશે તેમજ એગ્રો, ફુડ પ્રોસેસિંગ, ઓટો કન્પોનન્ટ, સીરામીક સહિતના મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાએ કાર્યક્રમના સમગ્ર સંચાલનના સંકલન અંગેની કામગીરી, વિવિધ થીમ આધારિત સેમીનાર માટે કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ, પ્રદર્શન સંબંધિત તમામ વ્યવસ્થાઓ, અતિથિઓ માટે ભોજન વ્યવસ્થા, પ્રોટોકોલ ટ્રાન્સપોર્ટેશન સહિતના સંકલન, ટ્રાફ્કિ નિયમન, પોલીસ બંદોબસ્ત, સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓ, કાર્યક્રમ સ્થળ તેમજ શહેરના મુખ્ય માર્ગો, સ્થળના તમામ મુખ્ય માર્ગોમાં સ્વચ્છતા સંદર્ભે કામગીરી, આરોગ્ય વિષયક વિવિધ સુવિધાઓ, ફાયર ફાઈટર ટીમની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી સહિત વિવિધ બાબતો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.એન.મેવાડાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ નોર્થ ગુજરાત રિજિયન અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










