ગુજરાતના મહીસાગર જિલ્લાનું નામ આ વિસ્તારમાંથી પૂર્વથી પશ્ચિમ તરફ પસાર થતી નદી મહી પરથી રાખવામાં આવ્યું છે. પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. ભારે વરસાદને પગલે મહીસાગર જિલ્લાની મહી નદી બે કાંઠે વહેતી થઈ છે. જૂન મહિનાના અંતમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા પાનમ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું સાથે આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.


[[$googlead]]

પાનમ ડેમમાંથી પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની આસપાસ અંદાજે 22થી વધુ ગામો છે. પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી 9,968 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. દરમિયાન ગંભીર બનાવ ટાળવા ડેમમાંથી પાણી છોડાતા પહેલા નદીકાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ તણાઈ ના જાય માટે લોકોને સૂચના આપવામાં આવી કે હાલમાં નદી અથવા ડેમની આસપાસ જવાનું ટાળે.

[[$alsoread]]

ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા

જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા. માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદનું જોર વધતા દરકોલી દરવાજા, અસ્થાના બજાર, માંડવી બજાર, સહિત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના નિકાલ માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. જૂન મહિનાના અંતમાં મહીસાગરમાં સૌથી વધારે લુણાવાડા અને વીરપુરમાં 4 ઈંચ વરસાદ અને સંતરામપુરમાં આજે 32 મીમી વરસાદ નોંધાયો. જીલ્લામાં વરસાદને લઈ લુણાવાડા મોડાસા હાઇવે પર પાણી ભરાયા હતા. મેઘ મહેર યથાવત રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો.

આજે ભારે વરસાદનું યેલો અલર્ટ 

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપી અને વડોદરામાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

  • Follow us on: