મહીસાગર નદીના કિનારે 90 ફૂટ લંબાઈ અને 104 ફૂટ પહોળાઈ ધરાવતા વિસ્તારમાં જગવિખ્યાત ગળતેશ્વર શિવાલય આવેલું છે, આ શિવાલય ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું હતું, પરંતુ નવા સીમાંકન પ્રમાણે હવે તે મહીસાગર જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સમાવેશ કરાયું છે.
આમ તો બે જિલ્લાની હદ આવેલી છે તેમાં નજીક જ વડોદરા જિલ્લાનો ડેસર તાલુકો જોડાયેલો છે. મોટાભાગે વડોદરા જિલ્લાના શ્રદ્ધાળુઓ ભોલેનાથને રીઝવવા માટે વારંવાર ઉમટી પડે છે. ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ સ્થળે આવેલું આ પુરાણું પ્રસિદ્ધ શિવાલય તેના ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ માટે મશહૂર છે, મહાકાલ ની ઉપરાછાપરી થપાટો સામે ઝીંક ઝીલી રહેલા ચંદ્રહાસ રાજા નિર્મિત મહાદેવ મંદિર અનેક લોકવાયકા સાથે જોડાયેલો છે, ભારતમાં અલગ અલગ શ્રેણીના મંદિરોના પ્રાચીન તથા અર્વાચીન નમૂના ગુજરાતમાં જેટલા જોવા મળે છે તેટલા અન્યત્ર ક્યાંય જોવા મળતા નથી, ગળતેશ્વર શિવાલયની પીઠ પરની કોતરણીમાં પગપાળા ઘોડે સવારી, રાજ સવારી, પાલખી, તથા ઉટગાડી, જેવા સાધનો જોવા મળે છે, કેટલાક ઐતિહાસિક પ્રસંગો શિલ્પોમાં વણી લેવાયા છે, મનુષ્ય, ગંધર્વ, દેવ, યક્ષ, કિન્નર, ઋષિ અને નર્તકીઓના શિલ્પ મંદિરના મંડોવર પર જોવા મળે છે. દર રવિવારે ગળતેશ્વર ખાતે ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનનો લહાવો લેતા હોય છે, પરંતુ હાલ ચાલી રહેલા શ્રાવણ માસ નિમિત્તે ગળતેશ્વર શિવાલયનો મહિમા કંઈક અલગ જ હોય છે. દરેક દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી શ્રદ્ધાળુઓનો ઘસારો શિવાલય ખાતે જોવા મળી રહ્યો છે. ગુજરાત ભરમાંથી દર્શનનો લાહવો લેવા શ્રદ્ધાળુઓનું કીડિયારુ ઉભરી રહ્યું છે.










