મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને સ્કૂલ લઈ જતી લુણાવાડાની સરદાર પટેલ સ્કૂલની મિની બસને લુણાવાડા તાલુકાના રાજગઢ અને પાલ્લા ગામ વચ્ચે અકસ્માત નડયો હતો. બસ નવા બનેલા રોડની બાજુમાં ખાડામાં ઉતરી જતાં પલટી ખાઈ ગઈ હતી. જો કે, બસમાં માત્ર બે વિદ્યાર્થી હોઈ તેમને પણ સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.
લુણાવાડા તાલુકાના રાજગઢ અને પાલ્લા ગામ વચ્ચે નવા બનેલા રોડનું સાઇડ સોલ્ડરનું કામ બરાબર થયું નહીં હોવાથી રોડની સાઈડમાં ખાડો પડી ગયો છે, જેમાં માટીનું પણ પુરાણ બરાબર નહીં થયું હોવાથી વાહનોને અકસ્માતની સંભાવના રહે છે. આજે વહેલી સવારે લુણાવાડા ખાતે આવેલી સરદાર પટેલ સ્કૂલના બાળકોને શાળાએ લઈ જવા નીકળેલી સ્કૂલ મિની બસ આ રોડ પરથી પસાર થતી હતી. તે સમયે ડ્રાઈવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ રોડની સાઈડમાં જતાં માટીનું પૂરાણ થયું નહીં હોવાથી માટી ઢસડી જતાં બસ ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. જો કે, તે સમયે બસમાં માત્ર બે જ વિદ્યાર્થી સવાર હતાં.










