મહીસાગર જિલ્લાના બહુચર્ચિત રૂા.123 કરોડના નળ સે જળ કૌભાંડની તપાસ હવે વેગ પકડી રહી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમ, વડોદરા ઝોન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ, ગાંધીનગર યુનિટ-3 સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાના નાયબ પોલીસ અધિક્ષક અશ્વિન પટેલે કૌભાંડ સંબંધિત મહત્વની માહિતી મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) પાસેથી માંગી છે. આ પત્રથી સરપંચો અને તલાટીઓમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
આ કૌભાંડ અંગેની તપાસ CID ક્રાઈમ, આર્થિક ગુના નિવારણ શાખા, ગાંધીનગર યુનિટ-3ના નાયબ પોલીસ અધિક્ષક અશ્વિન પટેલ કરી રહ્યા છે. તેમણે આ તપાસના ભાગરૂપે મહીસાગર જિલ્લાના વિકાસ અધિકારીને એક પત્ર લખીને મહત્વની માહિતીની માંગણી કરી છે. પત્રમાં અશ્વિન પટેલે મહીસાગર જિલ્લાના છ તાલુકાઓ સંતરામપુર, લુણાવાડા, વીરપુર, કડાણા, બાલાસિનોર અને ખાનપુર માં આવતા ગામોના તલાટી અને સરપંચો અંગેની વિગતો માંગી છે. તેમણે 1 જાન્યુઆરી, 2019 થી 31 ડિસેમ્બર, 2023 સુધીના સમયગાળા દરમિયાન ફરજ બજાવતા તલાટી અને સરપંચોની માહિતી પૂરી પાડવા જણાવ્યું છે. માંગવામાં આવેલી માહિતીમાં તલાટી અને સરપંચના પૂરા નામ, સરનામાં, અને મોબાઈલ નંબર, તેમણે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફરજ બજાવી તેનો સમયગાળો અને તલાટી તરીકે થયેલ બદલીના હુકમની પ્રમાણિત નકલની વિગતોનો સમાવેશ થાય છે. CID ક્રાઈમે આ ગુનાની તપાસ માટે જરૂરી તમામ માહિતીની હાર્ડકોપી અને સોફ્ટકોપી સાથે જિલ્લા પંચાયત કચેરીના એક પ્રતિનિધિને તા.30મી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં સીઆઈડી ક્રાઈમની કચેરીએ હાજર રહેવા જણાવ્યું છે. આ પત્રથી કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા પદાધિકારીઓ અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે.










