ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. તેથી કડાણા ડેમની સુરક્ષા અને ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લઈ 1,19450 કયુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઇ રહેલ છે.
તેને વધારીને આજે તા.4 સપ્ટેમ્બરે સાંજે 6 વાગે 3 લાખ ક્યુસેક પાણી મહીસાગરમાં છોડાશે. વહીવટી તંત્રને કડાણા ફ્લડ તરફ્થી જાણકારી મળતાની સાથે જ એલર્ટ કરાયા હતા. ડેસર તાલુકાના નદી કિનારાના ગામોના તલાટી કમ મંત્રીઓ સહિત ગામના અગ્રણીઓનું તંત્ર દ્વારા ધ્યાન દોરાયું હતું. જ્યારે ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતા મહીસાગર નદી ઉપરનો બ્રિજ અગાઉથી જ વાહન વ્યવહાર માટે બંધ છે. પરંતુ મોડી સાંજે નદીમાં પાણી છોડાશે ત્યારે બ્રિજ પાણીમાં ગરકાવ થવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા કેટલાય દિવસથી ડેસર તાલુકા સેવા સદન ખાતે મામલતદાર સહિતની ટીમ ફ્લડ કામગીરીમાં જોતરાયેલી છે. રાત્રી રોકાણ પણ કચેરીઓમાં કરી રહ્યા છે. જ્યારે ડેસર તાલુકામાં બે દિવસના વિરામ બાદ પુનઃ મેઘરાજાએ બેટીગ શરૂ કરી છે. ગત રાત્રી દરમિયાન 24 એમએમ વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ વરસાદ 485 એમ.એમ નોંધાયો હતો.










