મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા ડાંગરની ખરીદી મર્યાદામાં વધારો કરવા માટે કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂત સંગઠન મહીસાગર દ્વારા રજૂ કરાયેલા આ આવેદનપત્રમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ 117 મણ ડાંગરની ખરીદીને બદલે ઓછામાં ઓછી 200 મણ ડાંગરની ખરીદી કરવાની વિનંતી કરાઈ છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે 230 થી 250 મણ જેટલું થાય છે. પરંતુ, સરકાર માત્ર 117 મણની ખરીદી ટેકાના ભાવે કરે છે. જેના કારણે વધારાની ડાંગર ખેડૂતોને ઓછા ભાવે વેચવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને તેઓને યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતોએ વિનંતી કરી છે કે જો 200 મણ ડાંગરની ખરીદી કરવામાં આવે તો બાકીની ડાંગર તેઓ પશુપાલન માટે ઉપયોગ કરી શકે. ?આ ઉપરાંત, આવેદનપત્રમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે ટેકાના ભાવે ડાંગરની ઓનલાઇન નોંધણી કરતી વખતે એક આધાર કાર્ડ દ્વારા માત્ર એક જ ખાતા નંબર પર નોંધણી થઈ શકે છે. જ્યારે ઘણા ખેડૂતો પાસે અલગ અલગ જગ્યાએ જમીન હોવાથી તેમના અલગ અલગ ખાતા નંબર હોય છે. આથી, ખેડૂતોએ માંગ કરી છે કે એક આધાર કાર્ડ પર તેમના બધા ખાતા નંબરની ડાંગરની ખરીદી કરવામાં આવે, જેથી તેમનો સંપૂર્ણ પાક ટેકાના ભાવે વેચી શકાય. ? આ માંગણીઓ સંદર્ભે ખેડૂતોએ કલેક્ટર વિનંતી કરી છે કે તેઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોને ન્યાય મળે.










