મલેકપુર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતમાં મલેકપુર પગારકેન્દ્ર શાળા અને મહાત્મા ગાંધી વિનય વિધા મંદિર હાઈસ્કૂલ ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળાના બાલવાટિકાના, ધોરણ 1 અને 6ના બાળકો અને માધ્યમિક શાળાના ધોરણ 9 અને 11ના બાળકોને શાળા પ્રવેશ કરાવી શૈક્ષણિક જીવનનો શુભારંભ કરાવ્યો હતો.
પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના બાળકોને શૈક્ષણિક કીટ અને ગોળ ધાણાથી મોડુ મીઠું કરાવીને શાળા પ્રવેશ કરાવાયો. આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળા સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું. ધોરણ 5 CETમાં મેરીટમાં આવેલા 5 બાળકો, ધોરણ 8 NMMS માં મેરીટ માં આવેલ 3 બાળકો, ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં મેરીટમાં આવેલ 10 બાળકો, અને SGFI અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનપત્ર અને ઇનામ આપી સન્માન કરાયું. બોર્ડમાં સારા માર્ક્સ લાવનાર તેજસ્વી તારાલાઓનું સન્માન કરાયું અને શાળા વિકાસમાં સ્ટાફ, SMDC સભ્યો, ગ્રામજનોએ આપેલ સહકાર બદલ આભાર માન્યો.










