મહીસાગર જિલ્લામાં શિયાળુ સિઝન માટે પાણી મેળવવાના મુદ્દે ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો. ભાદર ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી આપવામાં નહીં આવે તેવા એક પત્રના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોની આ ગંભીર સમસ્યા અને રોષને 'સંદેશ ન્યૂઝ' દ્વારા અગ્રતા આપીને અહેવાલ સ્વરૂપે પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતાં જ ગાઢ નિંદ્રામાં પોઢેલું સિંચાઈ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.
ભાદર ડેમના પાણી માટે ખાનપુર, લુણાવાડા અને વિરપુરના ખેડૂતો હતા આક્રમક
જિલ્લાના ખાનપુર, લુણાવાડા અને વિરપુર તાલુકાના ખેડૂતો શિયાળુ પાકના વાવેતર માટે પાણીની સતત માંગ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભાદર ડેમમાંથી પાણી ન મળવાના સમાચારથી ખેડૂતોના મુખમાંથી રોટલો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેથી ખેડૂતો આકરા પાણીએ થયા હતા. સંદેશ ન્યૂઝ પર અહેવાલ દર્શાવાયા બાદ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ ખેડૂતોને મળવા માટે રવાના થયા હતા.
