કાલોલ તાલુકાના યોગધામ મલાવ ખાતે ચતુર્થ કુલગુરુ બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિના દિવ્ય સંસ્મરણ અને અનુભૂતિ અર્થે આગામી સપ્તાહે નવનિર્મિત દિવ્યાયતન મંદિરના મૂર્તિ પ્રેમ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન સંલગ્ન બુધવારે ભવ્ય શોભાયાત્રા યોજીને મંદિરના વાસ્તુ પૂજનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.


કાલોલ તાલુકાના યોગધામ તરીકે સુપ્રસિદ્ધ મલાવ ખાતે કૃપાલુ આશ્રમના ચતુર્થ કુલગુરુ એવા બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિની દિવ્ય અનુભૂતિ અર્થે કૃપાલુ આશ્રમના સંચાલનથી રાજર્ષિ મુનિ આશ્રમના સાનિધ્યમાં જ નવનિર્મિત દિવ્યાયતન (મંદિર)નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિની દિવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. ઉલ્લેખનીય છે કે નવનિર્મિત દિવ્યાયતન (મંદિર)ના મૂર્તિ પ્રેમ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આગામી તા.25 ઓગસ્ટે મૂર્તિ અનાવરણ, શિવ યજ્ઞ અને મૂર્તિ પ્રક્ષાલન અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે, જ્યારે તા.26 ઓગસ્ટે નારાયણ યજ્ઞ, ગુરુ પાદૂકા પૂજન જેવી શાસ્ત્ર્રોકત વિધિ અનુસરવામાં આવશે.

જે અંતર્ગત બુધવારે મલાવ ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બપોરે નવનિર્મિત દિવ્યાયતન (મંદિર)ના વાસ્તુ પૂજનનો શુભારંભ કરાયો હતો. જે વાસ્તુ પૂજનમાં 60 દંપતીઓના હસ્તે વાસ્તુ પૂજન કરાયું હતું.


  • Follow us on: