જાણીતા કથાકાર મોરારીબાપુએ આજે 25 ઓક્ટોબરના રોજ, તેમની બીજી ઐતિહાસિક 'રામ યાત્રા'નો પ્રારંભ કર્યો છે. ભગવાન રામના વનવાસ અને પુનરાગમનના પવિત્ર માર્ગને અનુસરતી આ યાત્રા રામભક્તો માટે એક અદ્ભુત આધ્યાત્મિક તીર્થયાત્રા બનવા જઈ રહી છે. આ યાત્રા ચિત્રકૂટના અત્રી મુનિ આશ્રમથી શરૂ થઈને શ્રીલંકાના કોલંબો સુધી પહોંચી અંતે અયોધ્યામાં સમાપ્ત થશે. ચિત્રકૂટથી મીડિયાને સંબોધતા બાપુએ આ યાત્રાના ત્રણ મુખ્ય ઉદ્દેશો જણાવ્યા હતા. સાંભળવું, યાદ રાખવું અને સત્ય, પ્રેમ અને કરુણાનો આશ્રય લેવો. બાપુએ કહ્યું કે, "આપણે અંતર યાત્રા માટે નીકળ્યા છીએ અને આમાં તમામ મોટા લોકોનો આપણને સાથ મળ્યો છે.



યાત્રાની રૂપરેખા

પ્રારંભ અને સમાપ્તિ: આ યાત્રા 25 ઓક્ટોબરે ચિત્રકૂટના અત્રી મુનિ આશ્રમથી શરૂ થઈને 4 નવેમ્બરે અયોધ્યામાં સમાપ્ત થશે.

માર્ગ: આ યાત્રા ભગવાન  રામના વનવાસના માર્ગને અનુસરે છે, જેમાં ચિત્રકૂટથી રામેશ્વરમ, કોલંબો (શ્રીલંકા) અને અંતે અયોધ્યાનો સમાવેશ થાય છે.

સહભાગીઓ અને સમયગાળો: 11 દિવસની આ યાત્રા દરમિયાન મોરારીબાપુ અને તેમની સાથેના 411 ભક્તો લગભગ 8,000 કિલોમીટરની મુસાફરી કરશે.

કથાનું આયોજન: આ યાત્રાના માર્ગમાં નવ પવિત્ર સ્થળોએ બાપુ દ્વારા રામ કથાનું પઠન કરવામાં આવશે.

વ્યવસ્થા: યાત્રાળુઓ માટે 22 કોચની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રામેશ્વરમથી કોલંબો અને કોલંબોથી અયોધ્યા સુધીની યાત્રા હવાઈ માર્ગે કરવામાં આવશે. રહેવાની વ્યવસ્થા અને ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ સેવા અને 'પ્રસાદ'ના રૂપમાં નિઃશુલ્ક કરવામાં આવી છે.

ઐતિહાસિક 'રામ યાત્રા'નો પ્રારંભ કર્યો

આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ તે સનાતન ધર્મના મહિમા, ભારતની એકતા અને રામરાજ્યના અમર સંદેશની ઉજવણી છે. પૂજ્ય બાપુએ સૌને સત્ય, પ્રેમ અને કરુણાની આ યાત્રામાં જોડાવા અથવા ગમે ત્યાંથી કથા સાંભળવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બાપુની બીજી ઐતિહાસિક રામ યાત્રા છે. આ પહેલાં 2021માં તેમણે અયોધ્યાથી ચિત્રકૂટ અને નંદીગ્રામ સુધીની પ્રથમ યાત્રા કરી હતી.આ ભવ્ય રામ યાત્રાનું આયોજન મદન જીપાલીવાલ (સંતકૃપા સનાતન સંસ્થાન) દ્વારા તેમની ભક્તિ અને સેવાની ભાવનાથી કરવામાં આવ્યું છે. આ સામૂહિક આધ્યાત્મિક પ્રયાસમાં યોગદાન આપનારા તમામ ભક્તો, સહયોગીઓ અને સંગઠનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

  • Follow us on: