ચોમાસાની સિઝનના આરંભ સાથે જ મેઘરાજા ધબધબાટી બોલાવવાના મૂડમાં દેખાયા છે. તેમાં પણ સુરત શહેર માટે જુલાઇ મહિનો ભારે હોય એમ 7 જુલાઇ, 23 જુલાઇ બાદ હવે 31 જુલાઇ એમ 25 દિવસમાં ત્રીજી વખત શહેરભરમાં 'પાણી.. પાણી..'ની પોકાર લાગી છે. શુક્રવારે રેડ એલર્ટ અને અવિરત વરસાદ સાથે નિચાણવાળા અને ખાડી વિસ્તારોમાં ઉચાટ, હાલાકીના દૃશ્યો જોવા મળ્યા હતા. 2062 લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી હતી. 77 વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર માઠી રીતે અસરગ્રસ્ત થયો હતો. જોકે, સાંજ સુધીમાં 51 વિસ્તારોમાંથી પાણી ઓસરી જતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. 13 બીઆરટીએસ અને 30 સિટી બસ રૂટ બંધ કરાયા હતા. હાલાકી અને ફરિયાદો વચ્ચે સુરત મહાનગરપાલિકા-કલેક્ટર તંત્ર સતત દોડતું રહ્યું હતું. 27 રેસ્ક્યુ બોટ મૂકાઇ હતી. તંત્રએ રેડ એલર્ટ સાથે પાલિકા તંત્રએ સતર્ક રહેવાની કરેલી અપીલ ફળી હોય એમ લોકોએ કામ વિના બહાર નીકળવાનું ટાળતાં પરિસ્થિતિ કાબૂમાં લેવામાં રાહત થઇ હતી. ઉપરાંત ગુરૂવારે સવારે ચોકબજારમાં વરીયાવી બજાર રોડ પર હનુમાન મંદર પાસે સવારે ઝાડ રીક્ષા ઉપર પડયુ હતું. આ સાથે અડાજણમાં એસ.એમ.સી આવાસ પાસે ઝાડ લકઝરી બસ પર તથા અડાજણના આનંદ મહેલ રોડ પર કાર પર વૃક્ષ ધરાશાય થયું હતું. ઉપરાંત વિવિધ વિસ્તારમાં 7 વધુ વૃક્ષ ગુરૂવારે સાંજ સુધી ધરાશાય થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો