માંડલ નગરમાં અતિપૌરાણિક અને પ્રાચિન વાવેશ્વર મહાદેવનું તીર્થેક્ષેત્ર આવેલ છે અહીં પવિત્ર કુંડ, જળાશય અને ભગવાન શીવજીનું મંદિર તેમજ ભૈરવદાદાની જગ્યા અને ધૂણો પણ આવેલ છે. લોકવાયકા મુજબ અહીં પાંડવો વનવાસ દરમિયાન આવેલાં અને આ પવિત્ર કુંડ (વાવ)નું નિર્માણ કર્યુ હતું અને વાવની બાજુમાં શિવલિંગની પણ સ્થાપના કરેલ જેથી આ જગ્યાને વાવેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીં હજારો વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસે, નાળીયેરી પુનમ અને ઋષિ પાંચમ જેવા પર્વો ઉપર સ્નાન, પુજા-અર્ચનાનું વિશિષ્ટ મહત્વ છે.
અહીં નગરજનો અને આસપાસના ગ્રામ્ય લોકોના ભક્તોજનોની આસ્થા જોડાયેલી છે. કેટલાંક વર્ષ પહેલાં આ પવિત્ર જળાશયમાં સોસાયટી વિસ્તારની ગટર (ડ્રેનેજ) લાઈન આપવામાં આવેલ હતી અને ભક્તોમાં ખુબ જ વિરોધ થતાં તંત્ર દ્વારા આ ડ્રેનેજની ગંદા પાણીના નિકાલ માટેની લાઈનો નજીકના વોકળામાં અપાયેલ છે. પરંતુ છેલ્લાં છ આઠ મહિનાથી ફરી એકવાર આ જળાશય, કુંડમાં ડ્રેનેજનું દુષિત પાણી આવતું હોવાની ભાવિકોની રાવ છે. તેમજ હાલમાં જળાશય અને કુંડમાં ચોતરફ લીલ જામી ગયેલ છે અને પાણી પણ દુષિત જોવા મળી રહ્યું છે એથી ચોતરફ દુર્ગંધ પણ ફેલાઈ રહી છે અને હાલ સ્નાન કરવું પણ આ પાણીમાં જોખમી બન્યું છે.










