ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ચંપલપુર વસાહત પાસેના એમ.આર.એફ. (MRF) સેન્ટરમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. સેન્ટરમાં રાખવામાં આવેલા ઘન કચરાના વિશાળ ડમ્પમાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાગૃતિ દાખવી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની સતર્કતાથી ઇન્દિરાનગર બચ્યું
ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ એટલી ભયાનક હતી કે જો ફાયરની ટીમ સમયસર ન પહોંચી હોત, તો બાજુમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તાર પણ આગની ઝપેટમાં આવી ગયો હોત. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ અને નુકસાન ટળ્યું છે.
