મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બે બાઈક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. વીરપુરના બારોડા ગામ નજીક સુજલામ સુફલામ કેનાલ પાસે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઈક સામસામે ધડાકાભેર અથડાઈ હતી.


વીરપુરમાં બે બાઈક વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ, વીરપુર તાલુકાના બારોડા ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ નજીક બે મોટરસાયકલ સવારો પુરપાટ ઝડપે આવી રહ્યા હતા. અચાનક બંને બાઈક ચાલકોએ કાબૂ ગુમાવતા સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરાયા

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે વીરપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા. મૃતક બંને યુવકો વીરપુર તાલુકાના જ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી

અકસ્માતની જાણ થતા જ વીરપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે વીરપુર પંથકમાં અને મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, 207 મહેસૂલી તલાટી અને 145 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી

  • Follow us on: