અમદાવાદના વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં CNG વાહનચાલકોને વધુ એક ભાવવધારાનો ઝટકો લાગ્યો છે. અદાણી એનર્જીએ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ CNGનો નવો ભાવ રૂ.88.02 પ્રતિ કિલો થયો છે, જ્યારે અગાઉ ભાવ રૂ.86.02 પ્રતિ કિલો હતો. સતત વધી રહેલા ઈંધણના ભાવ વચ્ચે હવે CNG આધારિત વાહનચાલકોના ખિસ્સા પર વધુ બોજ વધવાની શક્યતા જોવા મળી રહી છે.  મોંઘવારીના આ યુગમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ નાખવામાં આવ્યો છે. CNGમાં ફરી ભાવ વધતા  રીક્ષાચાલકો, ટેક્સી ચાલકો અને ખાનગી સીએનજી વાહનો ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે.

જાણો શું છે CNGનો નવો અને જૂનો ભાવ?

આ નવા ભાવ વધારા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ વધીને રૂ. 88.02 પ્રતિ કિલો થઈ ગયો છે. આ અગાઉ સીએનજીનો જૂનો ભાવ રૂ. 86.02 પ્રતિ કિલો હતો. કંપની દ્વારા વધારવામાં આવેલા આ નવા ભાવો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ગેસ સ્ટેશનો પર વહેલી સવારથી જ વાહનચાલકોના ખિસ્સા વધુ હળવા થવા લાગ્યા છે. અમદાવાદ ઉપરાંત જાણો અન્ય મુખ્ય શહેરોમાં આટલો ભાવ વધ્યો છે.

  • નોઇડા: રૂ.91.70 પ્રતિ કિલો
  • ગુરુગ્રામ: રૂ.84.12 પ્રતિ કિલો
  • ગાઝિયાબાદ: રૂ.102.90 પ્રતિ કિલો
  • ફરીદાબાદ: રૂ.90.30 પ્રતિ કિલો
  • મુંબઈ: રૂ.81.00 પ્રતિ કિલો
  • કોલકાતા: રૂ.93.50 પ્રતિ કિલો
  • ચેન્નાઈ: રૂ.91.50 પ્રતિ કિલો
  • બેંગલુરુ: રૂ.90.00 પ્રતિ કિલો
  • હૈદરાબાદ: રૂ.97.00 પ્રતિ કિલો
  • અમદાવાદઃ રૂ.88.02 પ્રતિ કિલો

વર્ષ 2026માં જનતા પર વધુ મોંઘવારીનો ડામ

ચિંતાજનક બાબત એ છે કે ચાલુ વર્ષ 2026માં સીએનજી વાપરતા ગ્રાહકોને સતત ઝટકા મળી રહ્યા છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં કુલ રૂ. 8.6નો મોટો વધારો ઝીંકાઈ ચૂક્યો છે. આ પૂર્વે હજુ ગત 16 મેના રોજ જ કંપની દ્વારા સીએનજીના ભાવમાં રૂ. 2.25નો વધારો કરવામાં આવ્યો હતો. આ વાતને હજુ માંડ થોડા દિવસો વિત્યા છે ત્યાં ફરી એકવાર ૨ રૂપિયા ઠોકી બેસાડવામાં આવ્યા છે. સતત વધી રહેલા આ ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેના લીધે આગામી દિવસોમાં શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વાહનચાલકો હવે સરકાર અને કંપનીઓ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે અને ભાવમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.