ગુજરાતમાં આજે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ગાંધીનગર અને અમદાવાદની અનેક શાળાઓને E-Mail મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. અમદાવાદમાં ધમકી મળેલી શાળાઓની સંખ્યા સતત વધીને હવે 12 સુધી પહોંચી ગઈ છે. આ ઘટનાને પગલે શહેરભરમાં હડકંપ મચી ગયો હતો.
ચાંદખેડા વિસ્તારની સ્કૂલને ધમકી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત વસ્ત્રાપુરની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ખોરજની જેમ્સ એન્ડ જીનેસિસ સ્કૂલ અને ઉદગમ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એકસાથે અનેક શાળાઓને ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે.
અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને પણ ધમકી
બીજી તરફ, ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એहतિયાત રૂપે કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા વધુ તપાસ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં તમામ ધમકીઓને ગંભીરતાથી લઈ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ધમકીભર્યા ઈ-મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યા તેની તપાસ સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે વાલીઓમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે, જ્યારે શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપીને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.









