માનવતાના ઉત્તમ ઉદાહરણ સમાન અંગદાનની સરવાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવિરત વહી રહી છે. સિવિલ હોસ્પિટલમાં આજે 233મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ભાવનગરના વતની એવા માત્ર 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના પરિવારે દુઃખની ઘડીમાં પણ હિંમત દાખવી અંગદાનનો નિર્ણય લેતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે.
22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના અંગોનું દાન
ભાવનગરના આ યુવાનને ગંભીર ઈજાઓ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો નહોતો અને તેને 'બ્રેઇનડેડ' જાહેર કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલની ઓર્ગન રિટ્રાઇવલ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવતા યુવાનના પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી.
