ખોરાકનો સીધો સંબંધ આરોગ્ય સાથે છે, એટલે જો ભેળસેળિયો આહાર પેટમાં જાય તો માણસનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. એટલા માટે જ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થો ખાવા લાયક છે કે, હાનિકારક એ ચકાસવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, શહેરમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા ફૂડ બિઝનેસ સામે આરોગ્ય વિભાગનો પનો ટૂંકો પડતો હોય એમ છેલ્લા એક વર્ષ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી કુલ 376 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના લેબોરેટરી પરીક્ષણમાં 25 નમૂના ધોરણો પ્રમાણે 'નિષ્ફ્ળ' એટલે કે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. ચિંતાજનક બાબત એ છે કે રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાતા શુદ્ધ ઘી, પનીર અને મિક્સ દૂધ જેવા પદાર્થોમાં સૌથી વધુ ભેળસેળ જોવા મળી છે. વળી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 મહિનામાં જ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા દૂધના 3 કેસ, પનીરના 3 કેસ અને ન્યુટ્રિશનલ પ્રોડક્ટનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત તાજેતરમાં જામનગર રોડ પર આવેલા યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જીવાતથી ખદબદતી સડેલી બદામનો અંદાજિત 2000 કિલોગ્રામ જેટલો મસમોટો જથ્થો ઝડપાયો ત્યારે ભેળસેળની ચરમસીમા સામે આવી હતી. કારણ કે આ જીવાતવાળી બદામ શીખંડ, મીઠાઈમાં છાંટવા માટે અન્ય વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. ગત 6 મહિનામાં જ મહાપાલિકા દ્વારા કુલ 7,915 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છતાં ભેળસેળિયા તત્ત્વો કાબુમાં આવતાં નથી અને મસમોટી કિંમત વસૂલીને પણ ગ્રાહકોને વાસી, સડેલો અને હાનિકારક પદાર્થો ધરાવતો ખોરાક ધાબડી દેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
ફૂડ સેફ્ટી ઓફ્સિર્સ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષ દરમિયાન કોર્ટ અને સિવિલ કેસોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે મોટી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એજ્યુડિકેશન (સિવિલ) કેસોમાં કુલ 30 કેસ અંતર્ગત રૂ. 11,71,000/- નો દંડ ફ્ટકારવામાં આવ્યો છે. જ્યારે JMFC કોર્ટ દ્વારા 9 ક્રિમિનલ કેસોમાં ઐતિહાસિક ચુકાદો આપી કુલ રૂ. 30,00,000/- નો મોટો દંડ સાથે ભેળસેળિયા વેપારીઓને 1 માસથી લઈને 5 વર્ષ સુધીની સખત કેદની સજા ફ્ટકારવામાં આવી છે, જે ભેળસેળ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે.
