અમદાવાદ વર્ષ-2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સાબરમતી વોર્ડમાં સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ્ જતા હયાત 18 મીટરના રસ્તાને 61 મીટરનો કરવા માટે એસ્ટેટ વિભાગે ગુરુવારે 54 જેટલાં કોમર્શિયલ સ્ટ્રક્ચર તોડી પાડયાં હતાં. એસ્ટેટ વિભાગની આ કામગીરી દરમિયાન જે લોકોની દુકાન કપાતમાં જતી હતી, તે લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે તો તેમની રોજી-રોટી છીનવાઈ જશે તે પ્રકારની રજૂઆત તંત્ર સમક્ષ કરી હતી, પરંતુ રોડલાઇન કપાતમાં જતી કોમર્શિયલ મિલકતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા અંગે કોઈ નીતિ નથી.

ગુરુવારે સાબરમતી વોર્ડમાં ટીપી સ્કીમ અંતર્ગત સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ્ જતા 18 મીટરના હયાત રોડને 61 મીટરનો કરવા 54 કોમર્શિયલ મિલકત અને 250 મીટરની એક કમ્પાઉન્ડ વોલ એસ્ટેટ વિભાગે પોલીસ અને ફાયર વિભાગને સાથે રાખી જેસીબીની મદદથી તોડી પાડી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી હતી.