શહેરમાં દિવસે દિવસે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્લાસ્ટિક વપરાશ સામેની મહાપાલિકાની કાર્યવાહીમાં 83.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઝુંબેશ સુસ્ત પડી જતાં લોકો પ્લાસ્ટિકનો વપરાશ બેફામ કરવા લાગ્યા છે, જેની શહેરના પર્યાવરણ પર માઠી અસર જોવા મળી રહી છે. મહાપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ હેઠળ પર્યાવરણ અને લોકોના આરોગ્ય માટે હાનિકારક 120થી ઓછા માઈક્રોનના પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવે છે ઉપરાંત આવા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ 2024-25માં આ ઝુંબેશ હેઠળ 2611 આસામીઓને કુલ મળીને રૂ.25.99 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ 2025-26માં આ ઝુંબેશોમાં ઓટ આવી હતી અને માત્ર 434 આસામીઓને રૂ.9.51 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક વિક્રેતાઓ, ધંધાર્થીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ કરવા લાગ્યા હોવાનું જાણવા મળે છે. જૂજ વેપારીઓ ગ્રાહકોને પ્લાસ્ટિકનું ઝબલું આપવાની ના કહેતા જોવા મળે છે.RMCના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું કે, ગત વર્ષે સ્વચ્છતા ઝુંબેશ સહિત અન્ય કામગીરીને કારણે પ્લાસ્ટિક અંગે પ્રમાણમાં કાર્યવાહી ઓછી થઈ હતી. સિંગલ યૂઝ પ્લાસ્ટિક જેવા કે થાળી, ગ્લાસ જેવી વસ્તુઓ વપરાવી ન જોઈએ. 120થી ઓછા માઈક્રોનના ઝબલાં સહિતના પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ કે વેચાણ પર નિયંત્રણ રહે એ માટે તા.8થી 14 જુન દરમિયાન પ્લાસ્ટિક વિરોધી મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે. આ સિવાય પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સમયાંતરે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું









