કલોલ-અમદાવાદ હાઈવે પર અડાલજ નજીક આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પર દોડી રહેલી એક પેસેન્જર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર પરિવારે સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
કલોલ-અમદાવાદ હાઈવે પર સર્જાઈ દુર્ઘટના
એક પરિવાર પોતાની કાર લઈને કલોલથી અમદાવાદ તરફ આવી રહ્યો હતો. અડાલજ ટોલ ટેક્સ નજીક પહોંચતા જ કારમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ તકનીકી ખામીને કારણે એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગની તીવ્રતા જોઈને વાહનચાલકે તુરંત કાર ઉભી રાખી દીધી હતી અને પરિવારના તમામ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.













