અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રિવરફ્રન્ટ રોડ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર ક્રિકેટ રમવા આવેલા એક યુવકની કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન અને જાહેર મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે.
કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી
મળતી માહિતી મુજબ, કાર ચાલક યુવક રિવરફ્રન્ટ પર ક્રિકેટ રમીને પરત ફરી રહ્યો હતો અથવા ત્યાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક એક્ટિવા ચાલક વચ્ચે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર સ્પીડમાં હોવાથી તે સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને તેને કૂદીને રોડની બીજી બાજુ એટલે કે સામેના ટ્રેક પર પટકાઈ હતી.
