નિકોલમાં સેલ્ફીથી રીંગરોડ તરફ્ જતા મુખ્ય માર્ગ પર નવો ડામર રોડ બનાવીને વાહનચાલકોને સુવિધા આપવાનો પ્રયાસ તો કરાયો છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ નવો રોડ હવે વાહનચાલકો માટે મોતનો કૂવો સાબિત થઈ શકે તેમ છે.રોડ બનાવતી વખતે વચ્ચે આવતા ગટરના ઢાંકણાને ઊંચું કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ આ કામ પૂરું કર્યા વગર છેલ્લા 10 થી 15 દિવસથી રસ્તાની વચ્ચોવચ એક જોખમી આડાશ મૂકીને તંત્ર સંતોષ માનીને બેસી ગયું છે. રાત્રિના સમયે મોટા અકસ્માતનો ભય દિવસના સમયે તો વાહનચાલકો દૂરથી આ આડાશ જોઈને પોતાનું વાહન બચાવી લે છે, પરંતુ રાત્રિના સમયે અંધારામાં આ આડાશ યોગ્ય રીતે દેખાતી નથી. સ્પીડમાં આવતા ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલર ચાલકો આ આડાશ સાથે અથડાય અને કોઈ ગંભીર જાનહાનિ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. નવો રોડ હોવાને કારણે વાહનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ હોય છે, જે જોખમમાં વધારો કરે છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો રોડ બની ગયો હોય તો ગટરના ઢાંકણાનું કામ પૂરું કરવામાં આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? કોઈ મોટો અકસ્માત થાય અને કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવે, શું તંત્ર ત્યાર પછી જ જાગશે? સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ ગટરનું કામ પૂરું કરી રસ્તા વચ્ચેથી આડાશ હટાવવામાં આવે અને માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત કરવામાં આવે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: