શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી ઇન્ડસ કોલેજ (યુનિવર્સિટી) પાસે એક ઉભેલી મિની બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શીલજ સર્કલથી ઇન્ડસ કોલેજ તરફ જતા રોડ પર એક મિની બસ સ્થિર ઉભી હતી, ત્યારે અચાનક જ તેમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

ઇન્ડસ કોલેજ પાસે મીની બસમાં લાગી આગ

આગ એટલી વિકરાળ હતી કે બસમાંથી ઉંચા અગનજ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. સૌથી રાહતની વાત એ રહી કે જે સમયે આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફરો હાજર નહોતા. બસ ઉભેલી હાલતમાં હોવાથી મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

સદનસીબે જાનહાનિ ટળી

અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. જોકે, ત્યાં સુધીમાં બસનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો