અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન द्वारा કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તા બનાવવામાં આવતા હોવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારની જીવતી-જાગતી સાબિતી વસ્ત્ર્રાલ વિસ્તારમાં જોવા મળી છે. વસ્ત્ર્રાલ રિંગરોડથી વસ્ત્ર્રાલ ગામ તરફ્ જવાના મુખ્ય માર્ગ પર હજુ માંડ એક મહિના પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નવો ડામરનો રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે અને ઠેર-ઠેરથી બેસી ગયો છે. મહત્વનું છે કે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, વસ્ત્ર્રાલ રિંગરોડથી વસ્ત્ર્રાલ ગામ જવાના માર્ગ પર આવેલા આનંદબાગ બંગલોઝ પાસે અચાનક રોડ વચ્ચે જ બે મોટા ભુવા પડી ગયા હતા. સદનસીબે ભુવા પડયા તે સમયે કોઈ વાહનચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો ન હતો, અન્યથા મોટી હોનારત સર્જાઈ શકી હોત. મહત્વનું છે કે આ ભુવા પડવાની ઘટનાની બિલકુલ નજીકમાં જ આવેલા શ્રી બહુચર માતાજીના મંદિર પાસે તો સ્થિતિ વધુ ગંભીર બની છે. મંદિરની બરાબર સામે આખો રોડ વચ્ચેથી જાણે ફાટી ગયો હોય તેમ અંદાજે ૨૦ ફૂટ જેટલો લાંબો રોડ ઉંડો બેસી ગયો છે. રોડ બેસી જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું છે. રોડ હજુ માંડ એક મહિના પહેલાં જ નવો ડામર નાખીને કટોકટ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે તદ્દન હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે.
