કુબેરનગરમાં જાહેર લાઈટ પોલને મકાન માલિકે ગેરકાયદે બાંધકામમાં ચણી લીધો!


મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ જાણે ખાડામાં ગયું હોય અને તંત્રનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવો ચોંકાવનારો કિસ્સો શહેરના કુબેરનગર વોર્ડમાંથી સામે આવ્યો છે. અહીં એક મકાન માલિકે જાહેર માર્ગની ફૂટપાથ પર આવેલા સરકારી લાઈટના થાંભલાને પોતાના ગેરકાયદે બાંધકામમાં ચણી લીધો છે. એટલું જ નહીં, થાંભલાની ઉપર ધાબું પણ ભરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર ગેરકાયદે બાંધકામ સરદારનગર વોર્ડના કોર્પોરેટરની ઓફ્સિની બિલકુલ સામે થઈ રહ્યું હોવા ચેતા તંત્ર અને જનપ્રતિનિધિઓ મૌન ધારણ કરીને બેઠા હોવાથી સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કુબેરનગર વોર્ડના આ વિસ્તારમાં ફૂટપાથ પર પાકું ચણતર કરીને ગેરકાયદે બાંધકામોની હારમાળા ઊભી કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ મિલકતની બિલકુલ સામે જ સરદારનગર વોર્ડના કોર્પોરેટર મુરલીભાઈ ખાનચંદાનીનું કાર્યાલય આવેલું છે. કોર્પોરેટરની ઓફ્સિની સામે લાંબા સમયથી આ ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું, છતાં એસ્ટેટ વિભાગના કોઈ અધિકારીને આ દબાણ ન દેખાયું હોવાની ચર્ચાએ અનેક સવાલો ઊભા કર્યા છે. મકાન માલિકે હદ વટાવીને સરકારી થાંભલા પર પોતાના અંગત સીસીટીવી કેમેરા પણ ગોઠવી દીધા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે જાહેર સંપત્તિ પર આ પ્રકારનું ખુલ્લેઆમ અતિક્રમણ થતું હોવા છતાં તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી કરતું નથી. જોકે, આ મામલે સંબંધિત મકાન માલિક તરફ્થી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. એક તરફ્ એસ્ટેટ વિભાગ રસ્તાઓ પરથી લારી-ગલ્લા, પાથરણાં અને નાના દબાણો દૂર કરવા માટે મોટા પાયે કામગીરીના દાવા કરતું હોય છે, પરંતુ જ્યારે સરકારી જગ્યા અને ફૂટપાથ પર આવા પાકા બાંધકામો ઊભા થઈ જાય અને આખો લાઈટ પોલ જ બાંધકામમાં સમાઈ જાય ત્યારે તંત્ર કેમ આંખ આડા કાન કરે છે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત, નજીકમાં આવેલા બીજા એક લાઈટ પોલની બહાર પણ ધાબું કાઢવામાં આવ્યું હોવાનું દૃશ્યોમાં સ્પષ્ટ દેખાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: