ફૂટપાથ નાગરિકોને ચાલવા માટે છે કે પછી અકસ્માતને આમંત્રણ આપવા માટે? આ સવાલ હાલ ખોખરા વોર્ડના સ્થાનિક રહીશો અને મુસાફરો તંત્રને પૂછી રહ્યા છે. ખોખરા વિસ્તારમાં ફૂટપાથોની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું જીવનું જોખમ ખેડવા બરાબર સાબિત થઈ રહ્યું છે. ખોખરા વોર્ડમાં આવેલી ફૂટપાથો પર મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય એજન્સીઓ દ્વારા કામકાજના બહાને ઠેર-ઠેર મોટા ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે. આ ખાડાઓ ખોદ્યા બાદ તેને સરખા કરવાની તસ્દી લેવામાં આવી નથી, જેના કારણે આખી ફૂટપાથ બિસ્માર બની ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ફૂટપાથની આ દશા તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકો માટે આ ફૂટપાથ પર ચાલવું અશક્ય બન્યું છે.
સૌથી ગંભીર અને ચોંકાવનારી પરિસ્થિતિ ખોખરા બસ સ્ટેન્ડ પાસે જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડની બિલકુલ નજીક જ એક તોતિંગ ખાડો કરી દેવામાં આવ્યો છે. સ્થિતિ એવી છે કે જો કોઈ મુસાફર બસ પકડવા માટે ઉતાવળમાં જાય, તો તે સીધો આ ખાડામાં જ ખાબકે. રાત્રિના સમયે અપૂરતી લાઈટના કારણે આખાડો દેખાતો નથી, જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.










