અમદાવાદ શહેરમાં એક ઈંચ જેટલા નજીવા વરસાદમાં સતત બીજા દિવસે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. ખાનપુર વિસ્તારમા એક દિવસ પહેલા રૂપાલી સિનેમા પાસે આવેલા સર્કલમાં વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દટાઈ ગયા હતા. માત્ર ૨૪ કલાકની અંદર ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલય નીચે આવેલું વૃક્ષ ગુરૂવારે રાત્રિના નવ કલાકે ધરાશાયી થતા એક્ટિવા પર બેઠેલા મોહમંદ આતિફ નામના યુવકનું દટાઈ જતા મોત થયું હતું. બીજી પાર્ક કરેલા પાંચ વાહનો પૈકી ૨ રિક્ષા અને એક ટુ વ્હીલરને પણ નુકસાન થયું હતું. ઘટનાને પગલે ટ્રિમિંગ વિભાગની બેદરકારી છતી થઈ હતી. જમાલપુર વોર્ડ કોંગ્રેસના પ્રમુખ નોમાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, વૃક્ષ ટ્રીમિંગ માટે ત્રણ ફરિયાદ કરી છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી બીજી તરફ ઘટનાને પગલે સફળા જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રી-મોન્સૂન અંતર્ગત કરેલી ટ્રીમિંગની કામગીરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ૩૪૧ રસ્તાઓ પર આવેલા ૩૫૮ જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કર્યું હતું. આ સાથે ભયજનક ન હોય તેવા ૩૨૩૭ વૃક્ષોને ટ્રિમિંગ કર્યું હતું.
