અમદાવાદ જિલ્લામાંથી ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ACBએ મોટી કાર્યવાહી કરીને એક ગ્રામ પંચાયતના જવાબદાર હોદ્દેદારના પતિને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. અમદાવાદના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકી રેતી અને માટી ખનનની મંજૂરી આપવાના બહાને એક ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની લાંચની માંગણી કરી રહ્યા હતા. આ અંગે જાગૃત ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતાં તંત્ર દ્વારા તાત્કાલિક છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ઢુવા ચોકડી રોડ પર એસીબીની સફળ ટ્રેપ
સરપંચના પતિ વધુજી સોલંકીએ ફરિયાદી પાસે માટી ખોદકામની વહીવટી મંજૂરી અપાવવા માટે રૂ. 1,10,000ની લાંચ માંગી હતી અને આ રકમ આપવા માટે તેમને ઢુવા ચોકડી નજીક જાહેર રોડ પર બોલાવ્યા હતા. એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે આ સ્થળે વોચ ગોઠવી દીધી હતી. જેવો જ આરોપી વધુજી ફરિયાદી પાસેથી લાંચની રૂ.1.10 લાખની રોકડ રકમ સ્વીકારવા ગયો, કે તરત જ છુપાઈને ઉભેલા એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ દબોચી લીધો હતો.













