અમદાવાદના બાવળા-ચાંગોદર નેશનલ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચાંગોદરથી રજોડા તરફ જવાના ગેટ પાસે લોડર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે આશાસ્પદ યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતને પગલે હાઇવે પર શોકનું મોજું ફરી વળ્યું છે.
મિત્રનું બાઈક લઈને પરત ફરતી વખતે કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, રાહુલ અને રવિ નામના બે મિત્રો પોતાના એક અન્ય મિત્રનું બાઈક લઈને ચાંગોદરથી બાવળા આવ્યા હતા. બાવળાથી પોતાનું કામ પતાવી જ્યારે તેઓ પરત ચાંગોદર તરફ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં કાળમુખું લોડર ટ્રેક્ટર તેમની સામે આવ્યું હતું. ચાંગોદરથી રજોડા તરફ જવાના ગેટ પાસે લોડર ટ્રેક્ટરના ચાલકે અચાનક વળાંક લેતા પૂરપાટ ઝડપે આવી રહેલું બાઈક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું.
ઘટનાસ્થળે જ એકનું મોત, બીજાનું હોસ્પિટલમાં
અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવાર બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અન્ય મિત્ર રવિની હાલત અત્યંત ગંભીર હોવાથી સારવાર મળે તે પહેલા જ તેણે પણ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.
પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ બાવળા પોલીસની ટીમ ઘટનાસ્થળે અને ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે પંચનામું કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે બે મિત્રોના મોત થતાં તેમના પરિવારોમાં માતમ છવાયો છે.
આ પણ વાંચો: Surat: ફોન પર વાત કરતી મહિલા પર ટ્રેક્ટર ફરી વળ્યું, મોતને હાથતાળી આપી મહિલા ચમત્કારિક રીતે બહાર આવી