અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સ્નેક્સના નામે વેચાઈ રહેલા 1,500 કિલોગ્રામ જથ્થાને તાત્કાલિક અસરથી સીઝ કરી અમન સેલ્સ એજન્સીના એકમને સીલ કરવામાં આવ્યું છે. આ એકમમાં નાની વયના બાળકો દ્વારા નાસ્તા તરીકે ખાવા માટે લેવામાં આવતા બચ્ચો કા પાસ્તા નામના સ્નેક્સના સેમ્પલમાંથી ઓઈલ સોલ્યુબલ ડાય મળી આવી હતી, જે ખાદ્યપદાર્થો માટે પ્રતિબંધિત છે. આ ડાયવાળા સ્નેક્સ ખાવાથી લાંબાગાળે કેન્સર જેવો જીવલેણ રોગ થઈ શકે છે. આ એકમમાંથી લેવામાં આવેલા કુલ સાત સેમ્પલ પૈકી છ સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ હજુ આવવાના બાકી છે.
નોંધપાત્ર બાબત એ છે કે, તપાસ દરમિયાન આ ઉત્પાદનોનું ઉત્પાદન ઘારીવાલા ફૂડ્સ, સુજાનપુર હાઈવે, સિદ્ધપુર, પાટણ ખાતે થતું હોવાનું બહાર આવવા પામ્યું છે. ભેળસેળ કરનારાઓની માનવતા મરી પરવારી હોય તેમ નાની વયના બાળકોની ખાદ્યચીજોમાં પણ અખાદ્ય ઓઈલ સોલ્યુબલ ડાયનો ઉપયોગ કરવા લાગ્યા છે. સિદ્ધપુર ખાતેના એકમમાં ઉત્પાદન થતું હોવાનું બહાર આવતા રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. શુક્રવાર 17 જુલાઈએ આ એકમમાંથી સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ્ હોવાની સંભાવના જણાતા એવા 75 હજાર સ્નેક્સના પેકેટ સીઝ કરવામાં આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂ.3.75 લાખ જેટલી થવા જાય છે.
