દેશના મહત્ત્વાકાંક્ષી ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટ ખાતે મંગળવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં બે યુવાન કારીગરોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. એરપોર્ટ સાઇટ પર ફાયર કેબલ નાખવાની કામગીરી દરમિયાન લોખંડની ઘોડી ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનને અડી જતાં પાંચ કારીગરો વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં બે યુવાનોના મોત થયા હતા જ્યારે ત્રણને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાવળાથી દોડી આવેલી વીજ કંપનીની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. ધોલેરા એરપોર્ટ સાઇટ પર કારીગરો ફાયર સેફ્ટી માટે કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન લોખંડની ઘોડી ખસેડતી વખતે તે હેવી વીજલાઈનના તારને અડી ગઈ હતી. પળવારમાં જ કરંટ સમગ્ર લોખંડના માળખામાં પ્રસરી જતાં તેના પર ઉભેલા પાંચેય કારીગરોને કરંટ લાગ્યો હતો. ઘટના બાદ સાઇટ પર અફરાતફરી મચી ગઈ હતી. તમામને ધંધુકા સરકારી હોસ્પિટલ તથા આર એમ એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુનિલ મકવાણા અને દિનેશ મેમરિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે દિનેશભાઈ પરમાર, કમલેશભાઈ વેગડ અને ગોપાલભાઈ વેગડનો બચાવ થયો હતો. હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો પહોંચતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધંધૂકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: