દસ્ક્રોઈ : બે સપ્તાહ સુધી રાહ જોયા બાદ આખરે દસ્ક્રોઈ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવતાં ખેડૂતો સહિત તાલુકાભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગઈકાલ સાંજથી વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદની આશા બંધાઈ હતી, જે શુક્રવારે સવારે વરસાદ શરૂ થતાં પૂર્ણ થઈ હતી. દસ્ક્રોઈ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર છાંટા પડયા હતા, જ્યારે અનેક ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાડાઓ પાણીથી ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. બીજી તરફ્, બાળકો વરસાદમાં છબછબીયા કરીને સીઝનના પ્રથમ વરસાદની મોજ માણતા નજરે પડયા હતા. ખેડૂતોમાં પણ હવે વાવણીની કામગીરીને વેગ મળશે અને સારા પાકની આશા જાગી હોવાથી સમગ્ર તાલુકામાં હરખની હેલી પ્રસરી ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો