નવા વર્ષના આગમન સાથે જ શહેરના પૂર્વ વિસ્તારમાં વિવિધ સમાજ, સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમોનો ધમધોકાર શરૂ થઈ ગયો છે. વસ્ત્ર્રાલ, નિકોલ, ઓઢવ, બાપુનગર, નરોડા અને મણિનગર જેવા અનેક વિસ્તારોમાં દરરોજ નાના-મોટા સ્નેહ મિલન સમારોહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ જ્ઞાતિ-સમાજ દ્વારા પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલમાં ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં સમાજના વડીલોનું સન્માન, તેજસ્વી તારલાઓનું પ્રોત્સાહન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જોવા મળી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ અને મહિલાઓની ઉપસ્થિતિ આ સમારોહમાં નોંધપાત્ર રહી છે, જેનાથી સામાજિક એકતા વધુ મજબૂત બની રહી છે. સામાજિક કાર્યક્રમોની સાથોસાથ પૂર્વ વિસ્તારના રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો અને વિવિધ પક્ષના હોદ્દેદારો દ્વારા પોતાના વોર્ડ અને મતવિસ્તારમાં સ્નેહ મિલન યોજીને કાર્યકરો અને મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવી રહ્યો છે.પૂર્વના ગીચ વિસ્તારોમાં એકસાથે અનેક સ્થળોએ કાર્યક્રમો યોજાતા હોવાથી સાંજના સમયે ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફ્કિ વિભાગ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આગામી આખું અઠવાડિયું પૂર્વ અમદાવાદમાં આવા જ ઉત્સાહભર્યા અને ભીડભાડવાળા સ્નેહ મિલન કાર્યક્રમોનો દોર યથાવત રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો