રવિવારથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. શહેરમાં 84 ગરબા આયોજકો માટે મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે આશરે 1,300 જગ્યાઓ પર પરંપરાગત શેરી ગરબાનું આયોજન થવાનું છે. ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા માણી શકે તે માટે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 500 ઉચ્ચ અધિકારીઓ (જેમાં સેક્ટરJCP, DCP, ACP, PI અનેPSIનો સમાવેશ થાય છે) મોનિટરિંગ કરશે. કુલ 14,000 પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. ગરબા ગ્રાઉન્ડ પર ભીડ નિયંત્રિત કરવા અને સુરક્ષા વધારવા માટેAIબેઝ્ડ કેમેરા, ડ્રોન તેમજ કાઉન્ટિંગમશીન ફરજિયાત કરાયા છે. સમગ્ર શહેરમાં આશરે 4,000 કેમેરા દ્વારા વિવિધ લોકેશન પર બાજ નજર રખાશે. ખાસ કરીને ટ્રાફિક વિભાગના 2 હજારથી વધુ પોલીસ કર્મીઓ ગરબા પુરા થાય ત્યાં સુધી તૈનાત રહેશે એસપી રિંગ રોડ, એસજી હાઈવે પર વાહન વ્યવસ્થાને લઈ 20થી વધુ ક્રેઈન ફરતી રહેશે.
